વહુથી ના પડાય જ કેમ! એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં ઘડીબંધ હોય. પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે. કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય. બોલવામાં તો બહુ આકરી. આ ગામથી ચાર ગાઉ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું-સામાન માગીને લઈ જાય. સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે. એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું. બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો. સાસુ તો હતા નહિ એટલે વહુ પાસે લોટ માગ્યો. વહુ કહે : ‘ઊભા રહો મહારાજ! અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું.’ વહુ અંદર રસોડામાં જઈને જૂએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો. ઘરમાં જરી પણ લોટ ન મળે. બહાર આવીને કહે ‘મહારાજ! લોટ તો બધો ખલાસ થઈ ગયો છે. આજ તો મળે તેમ નથી. તમે એકાદ-બે દિવસ પછી આવો તો આપું.’ બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો. તેને લોટની બહુ જરૂર હતી. એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટેખોટી ના પાડી હશે. સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત. પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો. એ ચાર ગાઉ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો. સાસુને જોઈને કહે : ‘આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો. વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે.’ આ સાંભળીને સાસુનો મિજાજ છટક્યો. કહે : ‘એવું તે હોય કાંઈ. ચાલો મારી સાથે. વહુ એના મનમાં સમજે છે શું? વહુથી ના પડાય જ કેમ.’ બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને એ બન્નેનાં ઘરે ગયો. સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા. પણ જઈને જૂએ તો વહુની વાત સાચી હતી. રસોડામાં જરા પણ લોટ ન હતો. પણ સાસુ એ સાસુ. લીધેલી વાત છોડે એ બીજા. બહાર આવીને કહે : ‘આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે? સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ? ના પાડવાનો હક્ક તો ફક્ત મારો છે. લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી.’ બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો. એને થયું કે ‘હે ભગવાન! હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે!’ |
Jariwalanj Goup
Friday, February 12, 2016
વહુથી ના પડાય જ કેમ!
વાઘ આવ્યો રે વાઘ આવ્યો
વાઘ આવ્યો રે વાઘ આવ્યો એક ગામમાં થોડાં ભરવાડ રહે. ઘેટાં-બકરાં ઉછેરી પોતાનો ગુજારો ચલાવે. ભરવાડ બધા સમજદાર હતા. તેમની વચ્ચે સંપ ઘણો. એક જણ મુશ્કેલીમાં આવે તો બીજા બધા તેની બાજુમાં ઊભા રહી જાય અને મદદ કરે. બધા એકબીજાના સાથ સહકારમાં જીવન ગુજારે. એક વખત આ ભરવાડો પર એક આફત આવી પડી. દૂર જંગલનો એક વાઘ ફરતો ફરતો આ ગામની સીમમાં આવી ચડ્યો. સીમમાં તેને ભરવાડના ઘેંટા-બકરાંનો શિકાર સહેલાઈથી મળવા લાગ્યો એટલે વાઘ તો પેંધે પડી ગયો. દૂર જવાનું નામ જ ન લે. ભરવાડો તો મુશ્કેલીમાં મૂકાઈ ગયા. રોજેરોજ તેમના બે-ચાર ઘેંટા-બકરાં ઓછા થાય અને વાઘ કોઈ કોઈ વખત ભરવાડો પર પણ હુમલો કરી બેસે તેવું પણ થતું હતું. પણ ભરવાડો ડરપોક ન હતા. તેમણે વાઘનો બરાબર મુકાબલો કરવાનું નક્કી કર્યું. એક ભરવાડ કહે આપણે એવું કરીએ કે આપણાંમાંથી જે કોઈ વાઘને દૂરથી આવતો જૂએ તેણે બૂમરાણ મચાવવી કે ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ભાઈ ધાજો રે ધાજો.’ આ બૂમરાણ સાંભળી બધાંએ લાકડી લઈ દોડવું અને સાથે મળીને વાઘને મારીને ભગાવી દેવો. બસ તે દિવસથી એક બીજાની મદદથી બધા ભરવાડ પર વાઘનું સંકટ ઓછું થઈ ગયું. આમાંથી એક ભરવાડનો છોકરો અટકચાળો, અવળચંડો અને અવળી બુદ્ધિનો હતો. તેને તો આમ રાડારાડી થાય અને બધા લોકો હાંફળાફાંફળાં થઈ દોડી આવે એ જોઈને ગમ્મત થવા લાગી. તેને ઘણી વખત વિચાર થતો કે લાવને હું બધાને ખોટેખોટા દોડાવું અને ગમ્મત જોઉં. એક દિવસ તેને સાચે જ અવળી બુદ્ધિ સૂઝી. વાઘ નહોતો છતાં બૂમાબૂમ કરી મૂકી ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ આવ્યો. ધાજો રે ભાઈ ધાજો.’ આ સાંભળીને બધા ભરવાડ લાકડી લઈને ઝટપટ દોડી આવ્યા પણ જૂએ તો વાઘ ક્યાંય નહિ અને છોકરો કહે જૂઓ મેં તમને કેવા ઉલ્લુ બનાવ્યા. એણે આવું એક વાર નહિ પણ ત્રણ-ચાર વખત કર્યું એટલે ભરવાડો પણ સમજી ગયા કે આ છોકરા પર ભરોસો મૂકવા જેવું નથી. થોડા દિવસ પછી એવું બન્યું કે એ છોકરો સીમમાં એકલો જ હતો અને પોતાના ઘેંટા-બકરાં ચરાવતો હતો ત્યારે તેણે ખરેખર દૂરથી વાઘને આવતાં જોયો. છોકરો તો વાઘને જોઈને ખૂબ ડરી ગયો અને બૂમાબૂમ કરી મૂકી ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ધાજો રે ભાઈ ધાજો.’ ભરવાડો એ આ સાંભળ્યું પણ તેમને થયું કે આ છોકરાને આવી ખોટી બૂમરાણ કરવાની ટેવ જ છે. આપણે કંઈ એમ મદદે દોડી જવાની અને એની ઠેકડીનો ભોગ બનવાની જરૂર નથી. આમ વિચારી એ છોકરાની મદદ કરવા કોઈ ન ગયું. વાઘે તો તરાપ મારી બે-ચાર ઘેંટા-બકરાંનો તો શિકાર કર્યો જ પણ સાથે સાથે છોકરા પર પણ હુમલો કરી તેની ટાંગ પણ તોડી નાખી. વિકરાળ વાઘની સામે છોકરો બિચારો કંઈ ન કરી શક્યો અને રડીને બેસી રહ્યો. આમ અવળી બુદ્ધિવાળા અવળચંડા છોકરાને પોતાની જ ભૂલને કારણે પોતાની બાકીની જિંદગી અપંગ થઈને ગુજારવી પડી. |
લોભિયા ભાઈ લટકી ગયા!
લોભિયા ભાઈ લટકી ગયા! એક હતો લોભિયો. અસલી, પાકો ને ખરેખરનો લોભિયો. આ લોભિયા ભાઈને લીલું કોપરું ખાવાનું મન થયું. કહે: ‘લાવ, બજારમાં જાઉં ને ભાવ તો પૂછું?’ ‘અલ્યા નાળિયેરવાળા! આ નાળિયેરનું શું લઈશ?’ ‘કાકા! બે રૂપિયા.’ ‘બે રૂપિયા? એ આપણું કામ નહિ. રૂપિયાનું નાળિયેર ક્યાંય મળે કે?’ ‘કાકા! જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે.’ ‘ચાલને મોટી બજાર સુધી જાઉં! એક રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નાળિયેર પણ મળશે.’ ‘અલ્યા ભાઈ ! નાળિયેરનું શું લે છે?’ ‘કાકા ! એક રૂપિયો. જૂઓ આ પડ્યાં નાળિયેર. જોઈએ એટલાં લઈ જાઓ!’ ‘અરે! હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું એક રૂપિયો માંગે છે? પચાસ પૈસે આપ, પચાસ પૈસે.’ ‘તો કાકા ! જરા વધુ આગળ જાઓ; ગામ બહારની વખારમાંથી તમને પચાસ પૈસે મળશે.’ ‘પચાસ પૈસા ક્યાં રેઢા પડ્યા છે? એટલું ચાલી નાખશું. લાવને, વખાર સુધી જાઉં!’ ‘અલ્યા વખારવાળા! આ નાળિયેર કેમ આપ્યાં? આ તો સારાં લાગે છે!’ ‘કાકા! એમાં શું ભાવ કરવાનો હોય? લઈ જાવ પચાસ પૈસે નાળિયેર.’ ‘અરે રામ! આટલું ચાલ્યો એ પાણીમાં ગયું? એમ કર, પાવલીમાં આપીશ? આ લે રોકડા પૈસા.’ ‘કાકા! પાવલી પણ શું કામ ખરચવી ? એક કામ કરો. જૂઓ અહીંથી બે કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે. ત્યાં નાળિયેરીના હારબંધ ઝાડ છે. ઝાડ ઉપર ચડી તમતમારે નાળિયેર તોડી લેજોને. એક પૈસો પણ ખરચવો નહિ અને જોઈએ એટલા નાળિયેર મળશે!’ લોભિયા ભાઈ તો લલચાઈ ગયા. કહે : ‘હવે આટલા ભેગું આટલું. ચાલને ઝાડ ઉપરથી જ નાળિયેર ઉતારી લઉં! પાવલી બચતી હોય તો એક ટંક દૂધ આવશે. પાવલી ક્યાં મફત આવે છે?’ લોભિયા ભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નાળિયેરી ઉપર ચડ્યા. મનમાં એમ કે ‘આટલાં બધાં મોટાં મોટાં નાળિયેર અબઘડી ઉતારી ને ફાંટ બાંધીને લઈ જાઉં ! એક પૈસો યે દેવાનો નહિ ને સાવ તાજાં નાળિયેર! આ વાત તો બહુ સારી કહેવાય.’ લોભિયા ભાઈ ઝાડની છેક ઉપર પહોંચ્યા. લાંબો હાથ કરીને નાળિયેર લેવા ગયા પણ નાળિયેર તોડવાની આવડત કે અનુભવ નહિ એટલે નાળિયેરનું ઝૂંડ પકડીને જ લટકી પડ્યાં. ન નાળિયેર તૂટે ને ન પોતે નીચે ઉતરી શકે. એવી તો હાલત ખરાબ થઈ ગઈ કે વાત ન પૂછો. બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યાં પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહિ. છેવટે એક મજૂર તૈયાર થયો પણ કહે કે શેઠ! તમને નીચે ઉતારવાના દશ રૂપિયા થશે. ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો એટલે લોભિયા ભાઈ થાકી-હારીને દશ રૂપિયા આપી નીચે ઉતર્યા પણ નીચે ઉતરતાં ઉતરતાં એક નાળિયેર તો પોતાની સાથે લઈ જ આવ્યા. આમ લોભિયા ભાઈને બે રૂપિયાનું એક નાળિયેર છેવટે દશ રૂપિયામાં પડ્યું! |
દુર્જન કાગડો
દુર્જન કાગડો એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું. પછવાડે પીપળાનું મોટું ઝાડ. એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા. કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે. એને હંસ દીઠે ન ગમે. ઉનાળાના દિવસો હતા. એક થાકેલો-પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો. તેણે પોતાનાં ધનુષબાણ ઝાડના થડના ટેકે મૂક્યાં ને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો. થોડીવારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો. થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો. ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી. મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાંયો કર્યો. કાગડાએ આ જોયું. કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી. તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો. કાગડો ઊડતો ઊડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો. કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો. જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો. તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો. આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો. |
અંધેરી નગરી ગંડુ રાજા
અંધેરી નગરી ગંડુ રાજા એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો! ચારે તરફ અંધેર! કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. તદ્દન ગંડુ! ગાંડિયા જેવો. એનું નામ પણ ગંડુ રાજા. અંધેરી નગરી ને ગંડુ રાજા. એ નગરમાં બધી ચીજનો એક જ ભાવ હતો. ત્રણ પૈસે શેર શાક ને ત્રણ પૈસે શેર બરફી. ત્રણ પૈસે શેર લોટ અને ત્રણ પૈસે શેર દૂધ. બધું જ ટકે શેર. ટકો એટલે ત્રણ પૈસાનો સિક્કો. કાછિયો ટકાની શેર ભાજી આપે ને કંદોઈ ટકાનાં શેર ખાજાં આપે. ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. જે માગો તે ‘ટકે શેર!’ એવી એ અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો. એ નગરમાં એક વખતે, એક ગુરૂ અને બીજો એમનો ચેલો, એમ બે જણ આવી ચઢ્યા. ગુરૂ મોટા ને અનુભવી. ડહાપણના ભંડાર. ચેલો જુવાન ને તરંગી. પૂરો ઘડાયેલો નહિ. ગુરૂની રજા લઈ ચેલો અંધેરી નગરીમાં ભિક્ષા માગવા ગયો. ‘અહાલેક! ભિક્ષા આપો મૈયા!’ એણે ભિક્ષા માગવા માંડી. ઘરમાંથી બાઈ લોટની વાડકી ભરીને નીકળી અને ચેલાની ઝોળીમાં લોટ નાખ્યો. ‘અહાલેક!’ કરતો ચેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માગી. ત્યાંથી પણ આટો મળ્યો. એમ કરતાં એની ઝોળી ભરાઈ ગઈ. ચેલો બજારમાં આવી પહોંચ્યો. એની નજર એક પાટિયા પર પડી. એના પર લખ્યું હતું : ‘ટકે શેર આટો.’ બીજા પાટિયા પર લખ્યું હતું : ‘ટકે શેર ખાજાં.’ ’આ તો મજાની વાત! ટકે શેર આટો ને ટકે શેર ખાજાં!’ ચેલાને વિચાર થયો. એ તો કંદોઈની દુકાને ગયો. કંદોઈએ પૂછ્યું : ‘કેમ મહારાજ! શું જોઈએ છે?’ ‘સુખડી કેમ આપી?’ ચેલાએ પૂછ્યું. ‘ત્રણ પૈસે શેર.’ કંદોઈએ કહ્યું ‘એને બદલે આટો આપું તો ચાલશે? એનો ભાવ પણ ત્રણ પૈસૈ છે.’ ‘હારે! ખુશીથી ચાલશે. જેટલો આટો આપશો તેટલી જ સુખડી જોખી આપીશું.’ ‘આ તો ઘણું સરસ!’ એમ કહીને ચેલાએ આટો આપી સુખડી લીધી. રાજી થતો થતો એ ગુરૂજી પાસે ગયો. ‘મહારાજ! જુઓ તો ખરા હું કેટલી બધી સુખડી લઈ આવ્યો!’ ચેલાએ રાજી રાજી થતાં કહ્યું. ‘ક્યાંથી લાવ્યો?’ ગુરૂએ પૂછ્યું. ને ચેલાએ બધી વાત માંડીને કહી. ‘બધું જ ટકે શેર?’ ગુરૂએ પછ્યું. ‘હા મહારાજ! ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં. ટકે શેર આટો ને ટકે શેર સુખડી.’ ‘જ્યાં બધું જ એક ભાવે વેચાતું હોય ત્યાં રહેવામાં માલ નથી.’ ગુરૂએ કહ્યું. ‘ચાલ બેટા! આપણે બીજે ગામ જઈએ.’ એ સાંભળી ચેલાને નવાઈ લાગી. આવું મઝાનું ગામ, જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી, ખાજાં કે ઘેબર લેવાય તે છોડી જવાનું ગુરૂજી શાથી કહે છે તે વાત એને સમજાણી નહિ. ‘જો બેટા! અહીં સારા નરસાની, ચોર કે શાહુકારની એક જ કિંમત હશે.’ પણ ચેલાએ ન માન્યું એટલે ગુરૂ એને ત્યાં જ રહેવા દઈ બીજે ગામ ચાલ્યા ગયા. ચેલાને તો આ શહેરમાં ફાવી ગયું. રોજ સવાર થાય કે ‘અહાલેક’ કરતો એ ભિક્ષા માગવા નીકળી પડે ને જે કૈં મળે તે કંદોઈને આપે ને લાડુ, ઘેબર, મગજ કે સુખડી લઈ આવે ને ખાઈ પીને લહેર કરે. થોડા દહાડામાં એનું શરીર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું. ‘જાડિયો જાડિયો ભીમ!’ છોકરાં એની પીઠ પાછળ બોલતાં ને દોડતાં. એ શહેરમાં એક ડોશી રહે. એ ડોશીને ચાર દીકરા. એમનો ધંધો ચોરી કરવાનો. રાત પડે ને ચોરી કરવા જાય. એક વખત એ ચોરી કરવા નીકળ્યા. રસ્તામાં બિલાડી આડી ઉતરી. ‘શુકન સારા નથી થતાં!’ એકે કહ્યું. ‘લે હવે હાલ્ય! હાલ્ય! શુકન ઉપર ભરોંસો ના રાખીએ.’ બીજો બોલ્યો. ચારે ભાઈ છગનશેઠની પછીતે પહોંચ્યા. અંધારી રાત : કોઈ ન બોલે કે ચાલે! એમણે ગણેશિયું કાઢ્યું ને ભીંત ખોદવા માંડી. થોડુંક ખોદ્યું તો ભીંત હાલી ઊઠી. ‘અલ્યા ભીંત હાલી!’ એકે કહ્યું. ‘ભલેને હાલી! કરી દે બાકોરૂં.’ જરા વધારે ખોદ્યું ત્યાં તો ધડૂમ ધડૂમ કરતી ભીંત પડી ને ચારે ભાઈ દબાઈ ગયા. એમના પર આખી ભીંત તૂટી પડી હતી. સવાર પડ્યું પણ દીકરાઓ ન આવ્યા એટલે ડોશી તપાસ કરવા નીકળી. ‘મારા દીકરાઓને ક્યાંય જોયા?’ એણે ઓળખીતા પાળખીતાને પૂછવા માંડ્યું. કોઈએ એને કહ્યું કે છગનશેઠની ભીંત તૂટી પડી છે ને એની નીચે કોક દબાઈ ગયું છે. લાકડી ઠબકારતી ડોશી ત્યાં ગઈ. એણે જોયું તો ભીંત તૂટી પડી હતી ને તેની નીચે એના ચારે દીકરા દબાઈ મૂઆ હતા. ચારે દીકરા મરી ગયા તો જોઈને ડોશી ઘણું ઘણું રડી ને છેવટે રાજા પાસે ગઈ. ‘રાજાજી! મારી ફરિયાદ છે.’ ‘શાની ફરિયાદ છે?’ રાજાએ પૂછ્યું. ‘બાપુ! મારા ચાર દીકરા છગનશેઠને ત્યાં ચોરી કરતા હતા ત્યારે શેઠના મકાનની ભીંત તૂટી તે દબાઈ મૂઆ. આમાં વાંક છગનશેઠ છે. એણે ભીંત એટલી નબળી રાખી જ શું કામ?’ ‘અરે, કોણ હાજર છે?’ રાજાએ બૂમ મારી. ‘જાવ, હમણાં ને હમણાં છગનશેઠને પકડી લાવો. એણે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીંત તૂટી પડી ને આ ડોશીના ચારે દીકરા દબાઈને મરી ગયા!’ સિપાઈઓ દોડ્યાં ને છગનશેઠને પકડીને લઈ આવ્યા. ‘તમે એવું તે કેવું ઘર ચણ્યું કે ભીંત તૂટી પડી ને આ ડોશીના ચારે દીકરા દબાઈ મૂઆ! તમને શૂળીએ ચઢાવવા જોઈએ.’ ‘પણ બાપુ!’ છગનશેઠ બોલ્યા. ‘ એમાં હું શું કરું? ઘર તો કડિયાએ ચણ્યું છે. જે કંઈ વાંક હોય તે એનો છે.’ ‘ખરી વાત! ખરી વાત! કડિયાનો જ વાંક છે. સિપાઈઓ! છગનશેઠને છોડી દો ને કડિયાને શૂળીએ ચઢાવી દો.’ છગનશેઠ છૂટ્યા. સિપાઈઓ મોતી કડિયાને પકડીને લઈ આવ્યા. રાજાએ એને શૂળીએ ચઢાવી દેવાની સજા કરી. ‘બાપુ! મેં તો બરાબર ચણેલું પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે.’ ‘ભલે,’ રાજાજી બોલ્યા. ‘સિપાઈઓ, એને છોડી દો ને ગારાવાળાને પકડી લાવો.’ મોતી કડિયો છૂટ્યો. સિપાઈઓ ગરબડ ગારાવાળાને પકડી લાવ્યા. રાજાએ એને શૂળીએ ચઢાવી દેવાની સજા કરી. ‘પણ બાપુ! મેં તો બરાબર ગારો કરેલો. વાંક હોય તો પખાલીનો છે. એણે પાણી વધારે રેડ્યું ને ગારો ઢીલો થયો.’ ‘એમ છેકે!’ રાજાજી બોલ્યા. ‘સિપાઈઓ, એને છોડી દો ને પખાલીને શૂળીએ ચઢાવો.’ ગરબડ ગારાવાળો છૂટ્યો. સિપાઈઓએ પાંચા પખાલીને પકડ્યો. ‘રાજાજીનો હુકમ છે તે મને શૂળીએ ચઢાવવાનો છે.’ ‘તો તો ભારે ગજબ થઈ જાય! તમે મને રાજા પાસે લઈ જાવ. હું એમને સમજાવીશ. મને તો મારા જીવની પડી છે.’ સિપાઈઓ એને રાજા પાસે લઈ ગયા. ‘કેમ રે પખાલી! તું કેટલું બધું પાણી નાખી દે છે? ગારો ઢીલો થયો ને ભીંત બરાબર ન ચણાઈ તે પડી ગઈ ને ચાર ખૂન થયાં.’ ‘બાપજી! એમાં મારો વાંક નથી. હું ગારામાં પાણી નાખતો હતો એવામાં એક મુલ્લો માળા ફેરવતો ત્યાંથી નીકળ્યો, તેથી પાણી વધારે પડી ગયું.’ ‘એમ છેકે!’ રાજાજી બોલ્યા. ‘સિપાઈઓ, એને છોડી દો ને મુલ્લાંને શૂળીએ ચઢાવો.’ પાંચો પખાલી છૂટ્યો. સિપાઈઓએ મુલ્લાં ફીદાઅલીને પકડ્યા. મુલ્લાં બિચારા ખૂદાનું માણસ. શરીરે પાતળા, સીધા સોટા જેવા. ‘રાજાજીનો હુકમ છે કે તમને શૂળીએ ચઢાવવા.’ સિપાઈઓએ કહ્યું. ‘જેવી ખૂદાની મરજી.’ સિપાઈઓ મુલ્લાંજીને શૂળીએ ચઢાવવા લઈ ચાલ્યા. શૂળીવાળાએ મુલ્લાં ફીદાઅલીને જોયા. એની નજર શૂળી ઉપર ગઈ. આવી તોતીંગ જાડી શૂળી ઉપર મુલ્લાં શોભે ખરાં? એ વિચારે એણે ડોકું ધૂણાવ્યું. સિપાઈને એણે વાત કરી ને રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો. સિપાઈ રાજાજી પાસે ગયો. ‘બાપુ! શૂળીવાળો કહે છે કે મુલ્લાંજી પાતળા સળેકડા જેવા છે ને શૂળીનું ફળ તો જાડું છે, તે એના પર મુલ્લાં નહિ શોભે માટે તમે કહો એમ કરીએ.’ ‘અરે એમાં શું પૂછવા આવ્યો! છેક સવારથી આ વાતનાં પગરણ માંડ્યાં છે તો! જા, કોઈ જાડા માણસને શોધી કાઢ ને એને શૂળીએ ચઢાવી દે.’ સિપાઈએ શૂળીવાળાને રાજાજીનો સંદેશો કહ્યો. મુલ્લાં ફીદાઅલી છૂટ્યાં. સિપાઈઓ કોઈ જાડા માણસને શોધવા નીકળ્યાં. ‘પેલા દીપચંદ શેઠ જાડા છે.’ ‘એમનાં કરતાં પણ બીજા વધારે જાડા હશે.’ આમ એ વાતો કરતા જતા હતા ત્યાં એમની નજર પેલા ચેલા ઉપર પડી. ‘બરાબર આવો જ જાડો માણસ જોઈએ.’ ‘શૂળી ઉપર પણ એ શોભી ઊઠશે.’ અને બેઉએ ચેલાને પકડ્યો. ‘ચાલો, તમને લઈ જવાના છે. રાજાજીનો હુકમ છે કે જાડા માણસને શૂળીએ ચઢાવવાનો છે.’ ‘પણ છે શું? શાથી?’ ચેલાએ પૂછ્યું. ‘તે તો બાપુ જાણે.’ ‘ચાલો, મને રાજાજી પાસે લઈ જાવ.’ સિપાઈઓ ચેલાને રાજાજી પાસે લઈ ગયા. ‘તારા જેવા જાડા માણસો આ નગરમાં રહે છે તેથી ચોર લોકોના મોત થાય છે માટે તને શૂળીએ ચઢાવવો જોઈએ.’ ‘પણ બાપુ! મને થોડી મુદત આપો. મારે મારા ગુરુને એક વખત મળવું છે.’ ‘ઠીક છે.’ રાજાજી બોલ્યા. ‘એને હમણાં જવા દો. ચાર દહાડા પછી શૂળીએ ચઢાવજો.’ ચેલો ગયો તેના ગુરૂ પાસે ને બધી હકીકત કહી. ગુરૂએ એને ધીરજ આપી. ‘મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ નગરમાં રહેવામાં માલ નથી. જ્યાં બધી ચીજ ટકે શેર હોય ત્યાં ચોર અને શાહુકારનો ન્યાય પણ સરખો જ થાય.’ ગુરૂએ કહ્યું. ‘બાપજી! મારી ભૂલ થઈ.’ ગુરૂએ રસ્તો કાઢ્યો ને શું કરવું તે ચેલાને સમજાવ્યું. ચાર દહાડા પછી ગુરૂ ને ચેલો બેઉ શૂળીવાળા પાસે ગયા. ચેલે કહ્યું : ‘હવે મને શૂળીએ ચઢાવો.’ ગુરૂ કહે ; ‘મારા ચેલાને નહિ, મને શૂળીએ ચઢાવો.’ બેઉ જણે જોરદાર રકઝક કરવા માંડી. શૂળીવાળો ગભરાયો. એણે રાજાજીને ખબર કરી ને રાજાજી ત્યાં આવ્યા. ‘તમે બેઉ શૂળીએ ચઢવાની હોંસાતોશી કેમ કરો છો?’ રાજાજીએ પૂછ્યું. ‘આ વખતે એવું મુહૂર્ત છે કે જે શૂળીએ ચઢે તેને સ્વર્ગલોકનું વિમાન મળે એમ છે માટે રાજાજી, મને શૂળીએ ચઢાવો.’ ‘ના મહારાજ, મને શૂળીએ ચઢાવો.’ રાજાને વિચાર આવ્યો કે આ રીતે સ્વર્ગે જવાનું વિમાન મળતું હોય તો એ પોતે જ શૂળીએ કેમ ન ચઢે? ‘આ બેઉને પાંચ ગાઉ દૂર લઈ જઈને છોડી મૂકો.’ એણે હુકમ કર્યો. તેનો તરત અમલ થયો. ‘હવે મને શૂળીએ ચઢાવો.’ રાજાએ કહ્યું. શૂળીવાળાએ રાજાને શૂળીએ ચઢાવ્યો અને અંધેર નગરીમાંથી ગંડુ રાજાનું રાજ પૂરું થયું. ભાજી અને ખાજા એક ભાવે મળતા બંધ થયા. |
વગર વિચાર્યું કામ કદી કરવું નહિ
વગર વિચાર્યું કામ કદી કરવું નહિ
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.
ઉજૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો શંકાશીલ અને ઉતાવળિયો હતો. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય અને ધમાલ મચાવે. એની પત્ની એને આવું ન કરવા ઘણી વખત સમજાવે પણ તોય તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો. એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ. બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળીયો દેખાયો. બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળીયો પાળ્યો હતો. બ્રાહ્મણે નોળીયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો. બ્રાહ્મણના ગયા પછી નોળીયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળીયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો. બ્રાહ્મણે જોયું તો નોળીયાનું મોઢું લોહીવાળું હતું. તેણે ઉતાવળે એવું માની લીધું કે નકી આ નોળીયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળીયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં. આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળીયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો. બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળીયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બે દિવસના નકોરડા ઉપવાસ કર્યા અને બ્રાહ્મણ પાસેથી એવું પાકું વચન લીધું કે હવે પછી તે ક્યારે પણ ગુસ્સામાં આવી કોઈ વગર વિચાર્યું કામ કદી નહિ કરે. |
હાથી અને દરજી
હાથી અને દરજી એક હાથી હતો. જાણે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ. એ સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નહાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં લાડુ આપે. આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી. નહાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે. એક દિવસ દરજીને હાથીની મશ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યો, હાથીદાદા, આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ! દરજી દુકાનમાં બેઠો હતો. ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો. હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મશ્કરા દરજીએ લાડુ આપતાં આપતાં સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતાના સાથે જ ખૂબ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઊડાવી છે. હાથીએ ચૂપચાપ લાડુ ખાઈ લીધો. તે ડોલતો ડોલતો તળાવે નહાવા પહોંચી ગયો. તળાવે નહાઈ પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું. પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનનાં બધાં નવાં નકોર કપડાં પાણીમાં પલળી ગયાં. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોંકી હતી તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો છે. આ તો મેં કરેલી મશ્કરીનું જ પરિણામ છે. બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહિ. |
ઠાકોર અને રંગલો
ઠાકોર અને રંગલો
[ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે. રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઈ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.]
ઠાકોર : કેમ રંગલા! ઘરના શા ખબર છે?
રંગલો : બધા સારા ખબર છે, ઠાકોર!
ઠાકોર : છે તો સૌ હીમખીમ ને?
રંગલો : (જરા મોળું બોલે છે) હા...….
ઠાકોર : કેમ જરા મોળું ભણે છે? છે તો સૌ હીમખીમ ને?
રંગલો : (અચકાતો બોલે છે) હા; પ….ણ એક જરા…ક કહેવાનું છે.
ઠાકોર : તું તો બધાં હીમખીમ કહે છે, ને વળી કહેવાનું શું છે?
રંગલો : કાંઈ ખાસ નહિ… એ તો આપણો બાજિયો કૂતરો મરી ગયો.
ઠાકોર : અરરર! બાજિયો કૂતરો? મોટો સિંહ જેવો શૂરો! હરણી ઘોડી જેવો ઉતાવળો! હાથી જેવો મસ્ત! અરે—એ મરે જ શેણે?
રંગલો : હા, બાપુ! ઈ મરે એવો તો નો’તો, પણ આપણી હરણી ઘોડીનાં હાડકાં કરડીને મૂઓ?
ઠાકોર : (ચિડાઈને) અરે બેવકૂફ! શું બોલ્યો? આપણી ઘોડીને વળી શું થયું?
રંગલો : ઘોડી બિચારી મરી ગઈ…
ઠાકોર : અરે – તું તો જરાક કે’તો’તો, ને આ બધું ક્યાંથી નીકળ્યું? બોલ તો ખરો! ઈ પંચકલ્યાણી, રેવાળ ચાલની, ફૂંકે ગાઉ દોડનારી મારી વા’લી હરણી શાથી મૂઈ?
રંગલો : એમાં કાંઈ મનમાં ન લગાડવું, ઠાકોર! જેવી ઈશ્વરની મરજી! … આપણી ઘોડી તો ખડ ને ચંદી વિના મરી ગઈ, બાપુ!
ઠાકોર : અરે મૂર્ખા! ખડની ગંજીઓ અને ચંદીનાં કોઠારિયાં ભરી મૂક્યાં હતાં, તે ક્યાં ગયા?
રંગલો : એ બધાં તો આઈમાનાં કારજમાં વપરાઈ ગયાં….
ઠાકોર : અરરર! આ તે શો ગજબ! આઈમા મૂઆં? મારા ઘરનું નાક! સુખનું કારણ ને દુ:ખનો વિસામો! એને તે શું થયું?
રંગલો : આઈમા તો કુંવરને દુ:ખે મૂઆં.
ઠાકોર : એલા ગમાર! કુંવરનું એવડું તે કેવડું દુ:ખ કે સમૂળગાં આઈ મૂઆં?
રંગલો : કુંવરનું દુ:ખ કાંઈ ઓછું કહેવાય? ઠાકોર, આઈમા તો કુંવરની પાછળ ઝૂરી ઝૂરીને ગયાં….
ઠાકોર : હાય હાય! મારો કુળદીપક કુંવર ગયો? કહે તો ખરો – એ શી રીતે મૂઓ?
રંગલો : બાપુ! કુંવર તો ધાવણ વગર મૂઓ…
ઠાકોર : અરે મોકાણિયા! ભસ તો ખરો! શું ઠકરાણાંએ ધવરાવ્યો નહિ તેથી મૂઓ?
રંગલો : બાપુ! ઠકરાણાં હોય ત્યારે ને? એ તો સૌથી પહેલાં મૂઆં…
ઠાકોર : અરરર! ઠકરાણાં શાથી મૂઆં?
રંગલો : કોગળિયું થયું તે મરી ગયાં…
ઠાકોર : આ તો કોઈ ન રહ્યું! ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે?
રંગલો : બાપુ! ઘર સાચવવા જેવું નથી રહ્યું. એ તો એક દિવસ લાલબાઈએ સરખું કરી નાખ્યું છે…
ઠાકોર : અરે પ્રભુ! અરે રામ! ગજબ થયો! મારું તો બધું લૂંટાઈ ગયું. કાંઈ કરતાં કાંઈ ન રહ્યું!
[ઠાકોર પોકેપોકે રડે છે. રંગલો તેને છાના રાખે છે.] |
બકરું કે કૂતરું?
બકરું કે કૂતરું? એક બ્રાહ્મણ હતો. બહુ ગરીબ. જેમ તેમ કરી ઘર ચલાવે. માંડ માંડ રોટલાંની જોગવાઈ થાય. ઘરમાં છોકરાંવ દૂધ પીવાના ઘણી વખત કજિયા કરે પણ બ્રાહ્મણ પાસે ગાય કે ભેંશ વસાવવાની ત્રેવડ નહિ તે છોકરાંઓને દૂધ પીવડાવે કઈ રીતે? એક દિવસ એને એક વિચાર આવ્યો કે લાવને એક બકરીનું બચ્ચું વેચાતું લઈ આવું. તેના કંઈ બહુ પૈસા પડશે નહિ અને તે થોડું મોટું થઈ જતાં છોકરાઓને દૂધ તો પીવા મળશે. તે ઉપડ્યો બાજુના ગામમાં અને ત્યાંથી બકરીનું એક નાનું બચ્ચું ખરીદી પોતાને ખંભે મૂકી ચાલતો થયો. રસ્તામાં ત્રણ ધૂતારાની એક ટોળી જતી હતી. ધૂતારાઓને થયું કે આ બ્રાહ્મણ તો સાવ ભોટ જેવો દેખાય છે. ચાલો, તેની પાસેથી બકરું પડાવી લઈએ. ધૂતારાના સરદારે પોતાના બે સાથીદારોને સમજાવીને દૂર દૂર મોકલાવી દીધા અને પોતે બ્રાહ્મણ પાસે જઈ તેને જાળમાં લેવાની શરૂઆત કરી. ધૂતારો કહે : અરે બ્રાહ્મણ દેવતા. તમે તો પવિત્ર માણસ કહેવાઓ. તમને આવું કરવું ન શોભે. તમે આમ શેરીમાં રખડતું કૂતરું ખંભે ચડાવીને જાઓ છો તે લોકો જોશે તો શું કહેશે? તમારે ઘરે જઈને નહાવું પડશે ને પ્રાયશ્ચિત કરવું પડશે. બ્રાહ્મણને આ સાંભળી નવાઈ લાગી. એણે પોતાને ખંભે રાખેલા બકરીના બચ્ચાંને બરાબર જોયું અને કહે : ભાઈ, તમારી કૈંક ભૂલ થાય છે. આ કૂતરું નથી પણ બકરીનું બચ્ચું છે. ધૂતારો કહે ભૂલ મારી નહિ તમારી થાય છે. તમને મારી વાત માનવામાં ન આવતી હોય તો બીજા કોઈને પૂછી જોજો. એમ કહી તે ચાલતો થયો. બ્રાહ્મણ તો રસ્તે આગળ વધ્યો. થોડી વાર ચાલ્યો ત્યાં તેને બીજો ધૂતારો મળ્યો. તે કહે : તમે જનોઈ પહેરી છે. વેશ પણ બ્રાહ્મણનો પહેર્યો છે પણ તમે બ્રાહ્મણ લાગતા નથી. કોઈ બ્રાહ્મણને આવી રીતે અપવિત્ર કૂતરું ખંભે ચડાવીને લઈ જતાં હજુ સુધી મેં જોયો નથી. તમે આવું ગંદુગોબરું કૂતરું શું કામ લઈ જાવ છો? બ્રાહ્મણ તો આ સાંભળી ગભરાયો. ફરી તેણે બરાબર ધ્યાનથી ધારી ધારીને બકરીનું બચ્ચું જોયું. પછી જેમ તેમ હિમત ભેગી કરી કહ્યું : આ તમને બધાને ગેરસમજ કેમ થાય છે? આ કૂતરું નથી, બકરીનું બચ્ચું છે અને હું તેને મારે ઘેર લઈ જાઉં છું. બીજો ધૂતારો જાણે પોતાને આ વાત માનવામાં જ ન આવી હોય તેમ માથું ધૂણાવતો ધૂણાવતો ચાલતો થયો. હજુ બ્રાહ્મણ આગળ ચાલ્યો ત્યાં તેને ત્રીજો ધૂતારો સામે મળ્યો. તે તો બ્રાહ્મણના પગમાં જ પડી ગયો. કહે કે તમે તો કોઈ ચમત્કારી પુરુષ છો. આવું જાદૂઈ પશુ તમને ક્યાંથી મળ્યું? આ તમારા ખંભા પર જે કૂતરું છે તે ઘડીકમાં બકરી જેવું થઈ જાય છે, ઘડીકમાં કૂતરા જેવું લાગે છે અને હમણાં થોડી વાર પહેલાં મેં તેને દૂરથી જોયું ત્યારે સસલું દેખાતું હતું. તમે તો ખરેખર મહાન માણસ છો. એક જ પ્રાણીના આટલા બધાં સ્વરૂપ! વાહ ભાઈ વાહ! આવું તો મેં કોઈ દિવસ જોયું નથી. આ સાંભળીને બ્રાહ્મણના તો હોશકોશ ઊડી ગયા. તેને ખાત્રી થઈ ગઈ કે નકી આ બકરીનું બચ્ચું કોઈ માયાવી-રાક્ષસી પ્રાણી લાગે છે. બાકી રસ્તે ચાલ્યા જતાં દરેક માણસ કંઈ ખોટું થોડું બોલે? એ તો બચ્ચું ખંભેથી નીચે ઉતારી દોડતો દોડતો નાસી ગયો. અને ત્રણે ધૂતારા બ્રાહ્મણની મૂર્ખાઈ પર હસતાં હસતાં બકરીનું બચ્ચું ઊઠાવી ત્યાંથી રવાના થઈ ગયાં. આપણને રસ્તામાં જે કોઈ મળે તે સાચું જ કહે છે એવો ખોટો ભ્રમ કદી ન રાખવો. |
નીલરંગી શિયાળ
નીલરંગી શિયાળ એક હતું શિયાળ. ભારે લુચ્ચું, લબાડ અને શેખીખોર. કંઈ ન આવડે તો ય દેખાવ તો એવો કરે કે જાણે તેના જેટલું હોશિયાર કોઈ નથી. જંગલના અન્ય પ્રાણીઓ તો ઠીક પણ પોતા જાતભાઈ એવા બીજા શિયાળ સાથે પણ રોજ ઝગડે. પોતાનું મોટાપણું દેખાડવા ફાંફાં મારે પણ કોઈ તેને દાદ આપે નહિ. બધા શિયાળ તેને શેખીખોર કહી તેની ઠેકડી કરે. આ શેખીખોર શિયાળ એક વખત ખોરાકની શોધમાં ફરતાં ફરતાં એક ગામમાં આવી ચડ્યું. અજાણ્યા પ્રાણીને જોઈ ગામના કૂતરાં તેની પાછળ પડી ગયા. જીવ બચાવવા તે આડું અવળું દોડવા લાગ્યું. કૂતરા તેની પાછળ અને શિયાળ આગળ દોડ્યું જાય. ત્યાં તેણે એક પીપ જોયું. આ પીપ એક રંગારાનું હતું. તેમાં તેણે કપડાં રંગવા માટેનો નીલો રંગ ભર્યો હતો. શિયાળ તો કૂદીને પીપમાં લપાઈ ગયું. કૂતરાઓનું ટોળું થોડી વાર ભોં ભોં કરતું ભસીને ચાલ્યું ગયું. કૂતરાઓ ચાલ્યા ગયા પછી માંડ માંડ હિમ્મત ભેગી કરી શિયાળ બહાર નીકળ્યું. બહાર નીકળીને જુએ તો પીપમાં જે રંગ હતો તે પોતાના આખા શરીરે ચોંટી ગયો હતો. એ નીલ રંગ એને જરાય ન ગમ્યો. રંગને કાઢવા માટે તે રંગારાના ફળિયામાં આળોટવા લાગ્યું. પણ રંગ દૂર થવાને બદલે રંગારાના ફળિયામાં ઢોળાયેલી ચમક એની ચામડીમાં ચોટી ગઈ અને તેનું શરીર ચમકવા લાગ્યું. એક તો વિચિત્ર રંગ અને પાછું ઉપરથી શરીર ચમકે એટલે એનો આખો દેખાવ જ ડરામણો થઈ ગયો. જેમ તેમ કરી પોતાનું પેટ ભરી શિયાળ જંગલમાં પાછું ફર્યું. જંગલમાં જે કોઈ પ્રાણી શિયાળને જુએ તે તેને ઓળખી જ ન શકે. તેનો વિચિત્ર રંગ, શરીર ઉપરની ચમક અને બિહામણો દેખાવ જોઈ બધા પ્રાણીઓ તેનાથી દૂર ભાગવા લાગ્યા. આ જોઈ શિયાળને મજા પડી ગઈ. તેને થયું કે આ તકનો બરાબર લાભ લેવા જેવો છે. એણે ભાગતા પ્રાણીઓને અટકાવતાં કહ્યું : ‘અરે ભાઈઓ, ડરો નહિ. હું કહું છું તે બરાબર સાંભળો.’ શેખીખોર શિયાળની વાત સાંભળી અન્ય પાણીઓ ઊભા રહી ગયા એટલે શિયાળે પોતાની આપવડાઈ ચાલુ કરી. ‘જુઓ જુઓ મારો રંગ અને જુઓ મારા શરીર પરની ચમક! આવા રંગનું કોઈ પ્રાણી તમે કદી જોયું છે? ખુદ ભગવાને મને આ રંગથી રંગી તમારી પાસે મોકલ્યો છે. તમે જંગલના બધા પ્રાણીઓને ભેગા કરી મારી પાસે લાવો તો ઈશ્વરનો ખાસ સંદેશ હું તમને સંભળાવું.’ બધા પ્રાણીઓ પર તેની વાતનો સારો પ્રભાવ પડ્યો અને તેઓ જઈને જંગલમાંથી અન્ય પ્રાણીઓને બોલાવી લાવ્યા. બધા પ્રાણીઓ આવી ગયા પછી શિયાળે ઢોંગી સંન્યાસીની જેમ પોતાનું પ્રવચન ચાલુ કર્યું. ‘હે વન્ય પ્રાણીઓ, હું ઈશ્વરનો પ્રતિનિધિ છું. ખૂદ ઈશ્વરે મને આ દિવ્ય-અલૌકિક રંગથી જાતે રંગીને મોકલ્યો છે જેથી હું તમારા પર રાજ કરી તમારું કલ્યાણ કરી શકું. હવે તમે અનાથ નથી. તમે મારી આજ્ઞાનું પાલન કરો અને મારી છત્રછાયામાં નિર્ભય બનીને રહો.’ જંગલના બધા પ્રાણીઓ તો એટલા ડરી ગયેલા હતા કે તેમણે શેખીખોર શિયાળની બધી વાત સાચી માની લીધી. સિંહ, વાઘ, ચિત્તો, હાથી જેવા જોરુકા પ્રાણીની પણ હિમ્મત ન ચાલી કે તેઓ આ નવા રાજા સામે ચૂં કે ચાં કરી શકે. બધા પ્રાણીઓએ શિયાળના ચરણમાં વંદન કરી કહ્યું: ‘હે ઈશ્વરના દૂત, આજથી તમે અમારા સમ્રાટ છો. ઈશ્વરની ઈચ્છાનું પાલન કરવું અમારી પહેલી ફરજ છે.’ એક ઘરડા હાથીએ પૂછ્યું: ‘હે સમ્રાટ, હવે અમારે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપો.’ લુચ્ચું શિયાળ કહે - ‘તમારે તમારા સમ્રાટની ખૂબ સેવા કરવી જોઈએ, તેને માન-સન્માન આપવું જોઈએ અને તેના રહેવા, ખાવા, પીવાની શાહી સગવડ કરી આપવી જોઈએ અને તેને કોઈ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.’ સિંહ બાપડો માથુ ઝૂકાવીને કહે: ‘મહારાજ, જેવો તમારો હુકમ. તમારી સેવા કરીને અમારું તો જીવન ધન્ય બની જશે.’ બસ શેખીખોર શિયાળને તો મજા થઈ ગઈ. તે દિવસથી રાજાશાહી ઠાઠથી રહેવા અને બધા પ્રાણીઓ પર રોફથી હુકમ ચલાવવા લાગ્યું. બધા પ્રાણીઓ તેની સરભરા કરવા લાગ્યા. પણ તેને એમ થયું કે કદાચ મારા જાતભાઈઓ મને ઓળખી જશે તો મારું રાજ ખતમ થઈ જશે એટલે તેણે હુકમ કર્યો કે કોઈ શિયાળે મારા રાજદરબારમાં આવવું નહિ. બધા શિયાળને આ વાત સાંભળી ખરાબ પણ લાગ્યું અને નવાઈ પણ લાગી કે નવો સમ્રાટ અમારી સાથે ભેદભાવ રાખે છે અને ફક્ત અમને જ રાજદરબારમાં આવવાની મનાઈ કરે છે. પણ થોડા વખતમાં એક વૃદ્ધ અને અનુભવી શિયાળને નવા સમ્રાટના રંગ-ઢંગ જોઈ ખ્યાલ આવી ગયો કે નીલરંગી પ્રાણી બીજું કોઈ નહિ પણ આપણો જ જાતભાઈ એવો શેખીખોર શિયાળ છે. એણે બધા શિયાળોને ભેગા કરી આ વાત કરી અને કહ્યું કે આપણે બીજા પ્રાણીઓને આ વાત કરશું તો તેઓ આપણી વાત માનશે નહિ કેમકે તેઓ બધા બહુ ડરી ગયા છે. આપણે એવું કૈંક કરવું જોઈએ કે જેથી તેમનો ડર નીકળી જાય અને સાચી વાત સમજાય જાય. આ પછી તેઓએ શું કરવું તે નકી કરી લીધું. થોડા દિવસ પછી શેખીખોર શિયાળ એક વખત દરબાર ભરીને બેઠું હતું અને જાત જાતની આપવડાઈની વાતો કરી રોફ જમાવતું હતું ત્યારે તેના જાતભાઈ બીજા શિયાળોએ રાજદરબારથી થોડે દૂર આવી લાળી કરવાનું શરૂ કર્યું. જેમ કૂતરાઓને એક બીજાની સામે ભસવું ગમે તેમ શિયાળોને લાળી કરવાનું બહુ ગમે. એક કૂતરું ભસે એટલે બીજા કૂતરાએ ભસવું જ પડે તે રીતે એક શિયાળ લાળી કરે એટલે બીજા શિયાળે પણ પોતાની રીતે લાળી કરી તેનો પ્રતિસાદ આપવો પડે. બધા શિયાળ એક બીજાના અવાજ સાંભળી ખુશ થાય અને લાંબા સમય સુધી શિયાળની ટોળીનો આલાપ-વિલાપ ચાલતો રહે. નીલરંગી શિયાળ તો લાળી સાંભળી ખુશ થઈ ગયું. પોતાની જાત પર કાબુ રાખવાની ખૂબ કોશિશ કરે પણ તેનાથી રહેવાય જ નહિ. અંતે તેના ગળામાંથી પણ લાળીનો સૂર વહેવા લાગ્યો. દરબારમાં બેઠેલા સિંહ, વાઘ, હાથી બધાં પ્રાણી નકલી સમ્રાટની લાળી સાંભળી ચમકી ગયા. તેમને ખબર પડી ગઈ કે આ નીલરંગી પ્રાણી કોઈ ડરવા જેવું ભયાનક પ્રાણી નથી. એતો સામાન્ય શિયાળ છે. ફક્ત પોતાનો રંગ બદલીને આવ્યું છે. પછી તો સિંહે ત્રાડ નાખી અને વાઘે ઘુરકિયું કર્યું ને તે જોઈને નકલી સમ્રાટના મોતિયા મરી ગયાં. એનો બધો વટ, રોફ-રૂવાબ બધું ઉતરી ગયું. એ તો જીવ લઈને જે ભાગ્યું છે... જે ભાગ્યું છે કે તેની વાત જ ન પૂછો. બસ તે દિવસથી એ શેખીખોર નીલરંગી શિયાળને ફરી પાછું કોઈએ જોયું નથી. જુઠાણું ઝાઝું ન ટકે. જુઠો માણસ વહેલો કે મોડો પકડાઈ જ જાય. |
ના હું તો ગાઈશ!
ના હું તો ગાઈશ! ઘણાં સમય પહેલાંની એક નાના ગામની આ વાત છે. એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો. એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ‘ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે.’ શિયાળ ગધેડાને એક ખેતર પાસે લઈ ગયું. જુવારના ખેતરના એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા વેલ પર કૂણી કૂણી કાકડીઓ ઉગી હતી. ખેતરની વાડમાં એક છીંડુ હતું એમાંથી બંને અંદર પેઠા. આવી સરસ તાજી કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું. ગધેડાએ ધરાઈને કાકડી ખાધી. કાકડી ખાઈને ગધેડો ગેલમાં આવી ગયો. તેને ગાવાની ઈચ્છા થઈ આવી. તેણે શિયાળને કહ્યું, ‘ભાઈ શિયાળ, આજે કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છે, આકાશમાં ચાંદો ય કેવો સુંદર લાગે છે! આવા મજાના વાતાવરણમાં હું ગાઉં અને તું સૂર પુરાવ તો કેવું?’ શિયાળ કહે, ‘અરે ગધેડાભાઈ, હાથે કરીને ઉપાધી શીદને વહોરી લેવી? આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનાંમાનાં પેઠા છીએ. એટલે મૂંગા રહેવામાં જ મજા છે. તમે ગાશો કે તરતજ રખેવાળ તમારો ઊંચો સૂર સાંભળી જાગી જશે. અને આપણા બાર વાગી જશે.’ ગધેડો બોલ્યો, ‘મૂર્ખ, તું તો જંગલી જ રહ્યો. સંગીતના રસને તું શું સમજે?’ શિયાળે ગધેડાને ન ગાવા માટે ઘણુંય સમજાવ્યો, પણ ગધેડો તો હઠ લઈને બેઠો હતો. તે કહે, ‘ના હું તો ગાઈશ જ…’ ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલાં ચતુર શિયાળ બોલ્યું, ‘ગધેડાભાઈ, તમે ઘડીવાર થોભો. હું પેલા ઝાંપા પાસે ઊભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું. પછી તમે નિરાંતે ગાઓ….’ શિયાળ વાડીની બહાર નીકળી ગયું. પછી ગધેડાએ ડોક ઊંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું, ‘હોં… ચી…. હોં…. ચી…’ એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો. તેણે પોતાની લાકડી વડે ગધેડાને મારી મારીને અધમૂવો કરી નાંખ્યો. પછી તેના ગળે વજનદાર પથરો બાંધીને તે ચાલ્યો ગયો. થોડીવાર પછી ગધેડો મહામહેનતે ઉભો થયો. તે ગળે લટકાવેલ મોટા પથરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર આવ્યો. શિયાળે પૂછ્યું, ‘ગધેડાભાઈ, આ શું થયું?’ ગધેડો હવે શું બોલે? તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું હોત તો તેની આ દશા ન થઈ હોત. વગર વિચાર્યું કોઈ કામ કરવું નહિ. કોઈ પણ કામ કરતાં પહેલાં તેના પરિણામનો હંમેશા વિચાર કરવો. |
Thursday, February 11, 2016
Bal Varta
દયાળુ સિદ્ધાર્થ
દયાળુ સિદ્ધાર્થ એક કપિલવસ્તુ નામની નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણમાં ઘણા દયાળુ સ્વભાવનો હતો. એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો. થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, હંસ મારો છે. તે મને આપી દે. સિદ્ધાર્થે કહ્યું, હંસ તને નહીં આપું. બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે. સિદ્ધાર્થે જવાબ આપ્યો, દેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો? રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યું, સિદ્ધાર્થ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશા ચડિયાતો લેખાય. આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને ભગવાન બુદ્ધ બન્યા. |
ડોસો અને દીકરો
ડોસો અને દીકરો એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપ અને દીકરો જતા હતા ને પાછળ ગધેડું દોરાયું જતું હતું. રસ્તે બે જુવાન માણસો મળ્યા. તે કહે: “અરે રામ! આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે? ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે! એક જણું તો ગધેડા ઉપર આરામથી બેસી શકે.” બાપને થયું વાત બરાબર છે. બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો. ત્યાં બે બાઈઓ મળી. બાઈઓ કહે: "હે રામ! આ કળજુગ ભાળ્યો? બિચારો બુઢ્ઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાનજોધ દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે! એને શરમ નહિ આવતી હોય?” દીકરાને થયું બાઈઓની વાત પણ ખોટી નથી. દીકરો હેઠે ઊતર્યો ને બાપ ગધેડા પર બેઠો. ત્યાં તો વળી કોકે કહ્યું: “એલા, તારા ધોળામાં ધૂળ પડી! લાજતો નથી? આ છોકરો બાપડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે! તે છોકરાને પણ ભેગો બેસાડી લેને.” ડોસો શરમાઈ ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો. જરાક દૂર જાય, ત્યાં બાવાઓનું એક ટોળું મળ્યું, એક બાવો કહે: “અરેરે, કેવો જમાનો આવ્યો છે! છે આ બાપ દીકરાને કોઈની દયા? બેઉ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે! ઈ મુંગા જીવને કંઈ બોલતા આવડે છે તે બોલે ને? બેઉના ભારથી બચાડો જીવ કેવો મૂંઝાઈ ગયો છે!” બાપ-દીકરો ગભરાઈને ગધેડા ઉપરથી ઊતરી પડ્યા. દીકરો કહે: “બાપા, ત્યારે હવે આપણે શું કરશું?” બાપા કહે: "આમાં તો મને પણ સમજ પડતી નથી." ત્યાં એક ઉંમરલાયક ડોશી નીકળી. બાપ-દીકરાની મૂંઝવણ જાણી તે હસવા લાગી. ડોશી કહે કે આમ સાવ બાઘા જેવા થાઓ મા. જે માણસને કંઈ કામ-ધંધો હોય નહિ તે જ બીજાનું વાંકું બોલે કે બીજાની ભૂલો કાઢતા ફરે. માગ્યા વિનાની શીખામણ આપ્યા કરતા હોય એવા લોકો તો ઢબ્બુના ‘ઢ’ કહેવાય. એવા ઢબ્બુ જેવા નકામા અક્કલમઠા માણસોની વાતો આપણે શું કામ સાંભળવી? તમ તમારે બાપ અને દીકરો તમને પોતાને ઠીક લાગે તેમ કરો અને તમારે રસ્તે હેંડતા થાવ. બાપ-દીકરાને ડોશીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શીખામણ આપી દોઢડાહ્યા થતા નકામા માણસોની ટક ટક પર ધ્યાન આપવાનું છોડી દીધું. બન્ને ચાલતા ચાલતા પરગામ ગયા અને શાંતિથી ગધેડું વેંચી પોતાના ગામ પાછા આવ્યા. |
બે સમજુ બકરી
બે સમજુ બકરી એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી. એ જ વખતે પુલના બીજી તરફના છોડેથી બીજી બકરી આવતી હતી. બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ! થોડી વાર પછી આ પુલ પર પુલના બન્ને છેડેથી આવતાં બે કૂતરાં પુલની વચ્ચે ભેગા થઈ ગયા. બન્ને સામ સામેના કિનારે પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો, બંને એક બીજાને બચકાં ભરી મારામારી કરવા લાગ્યા. તેમનું ધ્યાન રહ્યું નહિ ને બન્ને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યાં. પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા. સારું હતું કે બેઉ કૂતરાને તરતાં સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતે કિનારે આવ્યા પણ બન્ને પોતાના અણસમજુ અને ઝગડાખોર સ્વભાવને કારણે બહુ જ હેરાન પરેશાન થઈ ગયા. જો આપણે પણ એક બીજા સાથે સંપ-સાથ-સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજુ બકરીની જેમ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી આગળ વધી શકીએ પણ જો એક બીજા સાથે લડવા-ઝગડવામાં રચ્યા-પચ્યા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય. |
આનંદી કાગડો
આનંદી કાગડો એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા : લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ લપસણું કરતાં શીખીએ છીએ રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.’ માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા : કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ કુવામાં તરતાં શીખીએ છીએ રાજા કહે : ‘હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ.’ પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું : કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ કૂંણા કાન વીંધાવીએ છીએ રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ. એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા : કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી ખીર ખાઈએ છીએ રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો : ‘આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.’ છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે : હવે અમે આઝાદ છીએ ભાઈ હવે અમે આઝાદ છીએ અને કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં પેશી ગયો. જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહિ. |
લખ્યા બારુંની વાર્તા
લખ્યા બારુંની વાર્તા એક હતો વાણિયો. વેપાર કરતો હતો પણ તેનામાં સમજણ ઓછી. વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાણા, દાળિયા, મમરા, રેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેંચે. બિચારો સાંજ પડ્યે માંડ માંડ પેટજોગું રળી ખાય. પણ કોક કોક વખત એવાં એવાં કામ કરે કે એને ભલો-ભોળો કહેવો, મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે એક વાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા. વાણિયો ચોરને કહે : ‘અલ્યા, મોડી રીતે ઈ કોણ છે?’ ચોરો કહે : ‘કેમ ભાઈ? અમે તો વેપારી છીએ. આમ ટપારે છે શાનો?’ વાણિયો કહે : ’અલ્યા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા?’ ચોરો કહે : ‘જઈએ છીએ માલ ખરીદવા.’ વાણિયો કહે : ‘રોકડે કે ઉધાર?’ ચોરો કહે : ‘રોકડે ય નહિ ને ઉધારે ય નહિ. અમે તો કોઈને પૈસા દીધા વિના માલ લઈએ છીએ.’ વાણિયો કહે : ‘ત્યારે તો તમારો વેપાર બહુ સારો! મને પણ તમારી સાથે લેશો?’ ચોરો કહે : ‘ચાલને ભાઈ! તને ય તે શીખવા મળશે અને ફાયદો થશે.’ વાણિયો કહે : ‘એ ઠીક. પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો.’ ચોરો કહે : ‘લે લખ કાગળમાં કે કોઈના ઘરની પછીતે.’ વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું. કહે : ‘લખ્યું, કોઈના ઘરની પછીતે.’ ચોરો કહે : ‘લખ, હળવે હળવે કાણું પાડવું.’ વાણિયો કહે : ‘લખ્યું, હળવે હળવે કાણું પાડવું.’ ચોરો કહે : ‘ધીમે ધીમે ઘરમાં જવું.’ વાણિયો કહે : ‘લખ્યું, ધીમે ધીમે ઘરમાં જવું.’ ચોરો કહે : ‘લખ, જે જોઈએ તે ભેગું કરવું.’ વાણિયો કહે : ‘લખ્યું, જે જોઈએ તે ભેગું કરવું.’ ચોરો કહે : ‘ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’ વાણિયો કહે : ‘લખ્યું, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’ ચોરો કહે : ‘લખ, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’ વાણિયો કહે : ‘લખ્યું, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’ વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બધું બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો. પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા. ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો. ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહિ. તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દીવાસળીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો. તેમાં લખ્યું હતું :-
કોઈના ઘરની પછીતે
વાણિયા તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલા પછીતે કાણું પાડ્યું, પછી હળવે હળવે ઘરમાં ગયો. પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ્યો. પણ થયું એવું કે પિત્તળનું એક મોટું તપેલું કોથળામાં નાખતી વખતે તેના હાથમાંથી પડી ગયું તેના ધબાકાનો મોટો અવાજ થયો.હળવે હળવે કાણું પાડવું ધીમે ધીમે ઘરમાં જવું જે જોઈએ તે ભેગું કરવું ન ધણીને પૂછવું ન ધણીને પૈસા આપવા જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું વજનદાર વાસણ પડવાનો અવાજ સાંભળી ઘરના બધા માણસો જાગી ગયા. રસોડામાં જઈને જૂએ તો વાણિયો ચોરી કરતો હતો. બધાંએ ‘ચોર, ચોર’ની બૂમરાણ મચાવી તેને પકડી લીધો ને પછી મારવા લાગ્યા. વાણિયો તો વિચારમાં પડી ગયો. પણ માર ખાતાં ખાતાં પોતાના ખિસ્સાનું કાગળિયું કાઢી જેમ તેમ કરી એક વાર વાંચી લીધું. પછી તો તે જોશમાં આવી ગયો. બધા તેને મારે તેમ કૂદતો જાય ને જોર જોરથી બોલતો જાય :
એ ભાઈ, આ તો લખ્યા બારું
ઘરના માણસો આ સાંભળી વિચારમાં પડી ગયા ને મારતા અટકી જઈ કહે : ‘એલા આ શું બોલે છે?’એ ભાઈ, આ તો લખ્યા બારું વાણિયો કહે : ‘ત્યારે હું કંઈ ખોટું કહું છું? લ્યો આ કાગળ અને વાંચો. એમાં ક્યાંય માર ખાવાનું લખ્યું છે? આ તો તમે લખ્યા બારું કરો છો.’ પછી તો ઘરના માણસોએ કાગળ વાંચ્યો ને સમજી ગયા કે આ ભાઈમાં તો મીઠું ઓછું છે અને કોકનો ચડાવ્યો ચડી ગયો છે. એટલે વાણિયાનો હાથ પકડી ઘરની બહાર કાઢી મૂક્યો. |
અગ્રે અગ્રે વિપ્રઃ
અગ્રે અગ્રે વિપ્રઃ નંદ સો કંદ દાઢી સો ભોથું એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પીવા માટે પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી. બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો. ત્રણે જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા-પીવાનું શોધીએ. જે જડે તે સૌનું સરખા ભાગે. ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું. બ્રાહ્મણ કહે : ‘ઊભા રહો. હું ખેડૂતને અષ્ટમપષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું.’ બ્રાહ્મણ તો અંદર ગયો. ‘નારાયણ પ્રસન્ન’ કહી ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી. પટેલ કહે : ‘મહારાજ, મારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતું. મારે થોડાં ભંડાર ભર્યા છે કે હું બીજાને દાન આપ્યાં જ કરું.’ બ્રાહ્મણ તો વીલા મોંએ પાછો આવ્યો. બાવો કહે : ’વાંધો નહિ. એને આ ભવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ આપી શેરડી લઈ આવું છું.’ બાવો તો ખેતરમાં જઈ ‘અહાલેક’ કરીને ઊભો રહ્યો અને હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી ખેડૂતને આપી. ખેડૂત કહે : ‘બાપજી મહારાજ, તમારી ચપટી ભસ્મને હું શું કરું? મારા ચુલામાં રોજ રાખના મોટા ઢગલા નીકળે છે. એના કરતાં એમ કરો, તમે ચમત્કાર કરી હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો ને. બાવાજી પણ વીલા મોંએ પાછા આવ્યા. હવે વાણિયાનો વારો આવ્યો. વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી શેરડી મળે તેમ નથી. ખેડૂતને બરાબર ગળે ઉતરે તેવું કોઈ ગતકડું કરવું પડશે. વાણિયાએ રોફભેર ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું : ‘કાં પટેલ, આ શેરડી એમને એમ રાખવી છે કે ગોળ બનાવી વેંચવો છે?’ પટેલ કહે : ‘આવો આવો શેઠ, શેરડી એમને એમ થોડી રાખવાની હોય. ગોળ લેવો હોય તો બોલો કેટલા ગોળનો ખપ છે?’ વાણિયો કહે : ‘આમ તો સો મણ જોઈએ છે પણ ભાવ પોષાય એવો હોય તો બીજા પચાસ મણ પણ લઉં ખરો.’ પટેલ કહે : ’એમ બોલોને. ચાલો કરીએ ભાવતાલ નક્કી.’ પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ ઠેરવ્યા અને ગોળ તોળવાનો દિવસ પણ નક્કી કર્યો. બધું કર્યા પછી વાણિયે રજા લીધી પણ થોડુંક ચાલીને પાછો ફર્યો અને કહે : ‘અરે પટેલ, આ તમારી શેરડીના રૂપ-રંગ જોઈ મેં સોદો તો નક્કી કરી નાખ્યો પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જોયાં જ નથી. શેરડી બરાબર મીઠી નહિ હોય તો ગોળમાં સ્વાદ ક્યાંથી આવશે?’ પટેલ કહે : ’એવું તે કંઈ હોય. મારી શેરડી તો આખા પંથકમાં વખણાય છે. આ થોડાંક સાંઠા લઈ જાવ અને ખાજો એટલે તમને ખાતરી થઈ જશે.’ પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વીશ સાંઠા પસંદ કરી, વાઢીને વાણિયાને આપ્યા. વાણિયો મનમાં મલકાતો સાંઠા લઈને બહાર આવ્યો. પછી તો ભાગ પાડવાનું આવ્યું. શરત પ્રમાણે સૌના સરખેસરખા ભાગ પાડવાના હતા. પણ વાણિયો બરાબર પાકો હતો. મનમાં કહે: ’આ શેરડી મારી ચાલાકી ને હોંશિયારીથી મળી છે્. તમે લોકોએ તો કંઈ કર્યું નથી તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ. હું થોડો મૂરખ છું કે હું માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં તાગડધીન્ના કરવા દઉં.’ વિચાર કરવાનો ડોળ કરી વાણિયો કહે : ‘જૂઓ ભાઈ ! શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે અગ્રે વિપ્રઃ માટે આપણે બ્રાહ્મણને આગળનો ભાગ આપવો જોઈએ.’ એમ કહી વીશે સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણે તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો. પછી કહે : ‘નંદ સો કંદ. નંદ એટલે વાણિયાને તો વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે.’ એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા. પછી બાકી તો થડિયાના ભાગ રહ્યા એટલે કહે : ‘દાઢી સો ભોથાં. શાસ્ત્રના વચન છે કે દાઢી એટલે બાવાજીને ભોથાં એટલે કે થડિયા દેવાં જોઈએ.’ બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો. આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે ગુપચાવી લીધો. પછી ત્રણે ભાગીદારો રાજીખુશીથી છૂટા પડી સૌ સૌના રસ્તે ગયા. |
કેડ, કંદોરો ને કાછડી
કેડ, કંદોરો ને કાછડી એક હતો વાણિયો. એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’ વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો. બાજુના ગામમાં તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં ચાર ચોર મળ્યા. વાણિયાને એકલો જતો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહિ આવે. એક ચોરે પૂ્છ્યું : ‘કેમ, શેઠ અત્યારે એકલા એકલા ક્યાં જાઓ છો?’ વાણિયો તો ચાર ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો ચાર છે એટલે જો કંઈક યુક્તિ નહિ કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિમ્મત જબરી હતી. સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી : ‘હું એકલો ક્યાં છું. અમે તો બાર જણા સાથે નીકળ્યા છીએ.’ ચોરોને થયું કે ઓહો, આ લોકો બાર જણા હોય તો આપણી કારી નહિ ફાવે. તો ય એક ચોરે પૂછ્યું : ‘અલ્યા, બાર જણ તે કોણ છે?‘ વાણિયો કહે :
કેડ, કંદોરો ને કાછડી, અમે ત્રણ જણા;
તેલ, પળી ને તાંબડી અમે છ જણા; ડાંગ, ડોસો ને લાકડી, અમે નવ જણા; શેઠ, વાણિયો ને હાટડી અમે બાર જણા.’ ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણાં બધાં જણા છે એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો. |
ચકલા ચકલીની વાર્તા
ચકલા ચકલીની વાર્તા એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ : ‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’ ચકલો કહે : ‘ઠીક.’ ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી?’ ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’ ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે! ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું?’ ચકો કહે : ‘મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’ ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે : ‘રાજાજી, રાજાજી! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.’ રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો?’ કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. એ તો ચકાએ ખાધી હશે ને તે ખોટું બોલતો હશે.’ ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’ રાજા કહે : ‘એલા સિપાઈ ક્યાં છે? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’ કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને?’ પણ ચકલો બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : ‘ભાઈસા'બ! મારો ગુનો માફ કરો. ખીચડી તો મેં ખાધી છે પણ હું ખોટું બોલ્યો હતો.’ રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો. ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે : ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ મારા ચકારાણાને કાઢો તો તમને ખીર ને પોળી ખવડાવુંગાયોનો ગોવાળ કહે : ‘બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું. મારે ઘણું કામ છે. હું તો મારે આ ચાલ્યો..’ એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે : ભાઈ ભેંશોના ગોવાળ ભાઈ ભેંશોના ગોવાળ મારા ચકારાણાને કાઢો તો તમને ખીર ને પોળી ખવડાવુંભેંશોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહિ. થોડી વાર પછી ત્યાંથી એક સાંઢીયાની ગોવાળણ નીકળી. એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો. કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચકા ચકી બન્નેએ સાથે મળી સરસ મજાની ખીર ને પોળી બનાવી સાંઢીયાની ગોવાળણને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું, પીધું ને મજા કરી. |
શિયાળનો ન્યાય
શિયાળનો ન્યાય એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો. સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’ પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’ પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું. શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’ આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’ પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’ સિંહે કહ્યું, ‘હા.’ શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું. વગર વિચારે કામ કરી પોતે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા. |
બોલતી ગુફા
બોલતી ગુફા એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો. સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.’ આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિ, એટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિ? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે? તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.’ સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે’ એટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!’ સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું. થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું. શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.’ |
ચતુર કાગડો
ચતુર કાગડો એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહિ. અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું! જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ. પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું. તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ. જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા. કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા. કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો. જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી. |
શેરડીનો સ્વાદ
શેરડીનો સ્વાદ હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો. દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું. થોડીવારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, ‘અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો?’ હાથી કહે, ‘બોલ, તારે મારી શી મદદ જોઈએ છે?’ શિયાળ કહે, ‘હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો.’ હાથી કહે, ‘એમાં શી મોટી વાત છે. એક કરતાં બે ભલા.’ કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યું. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો. ને તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધી ને કેટલીય શેરડી બગાડી. શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’ કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, ‘આ શેરડી નહિ પણ બળતણ માટેનાં સાંઠીકડાં છે.’ હાથી કહે, ‘હું તો શેરડી લાવ્યો છું. પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે.’ શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતાં રાણી બોલી, ‘આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે.’ હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો. હાથી કહે, ‘ચાલ્યો જા અહીંથી. ક્યારેય પાછો આવીશ નહિ.’ હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો. |
સૌથી મોટું ઈનામ
સૌથી મોટું ઈનામ એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ. તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને?’ પણ બધાં પ્રાણીઓએ એને કહ્યું કે ના, અમે નહિ કાઢી આપીએ. વરુને ગળામાં ખૂબ જ દુઃખવા લાગ્યું. તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગલો ઊભો હતો. વરુએ બગલાને કહ્યું,‘બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઈનામ આપીશ.’ વરુ પોતાનું મોં ખલ્લું રાખીને બેઠો હતો. બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોંમા તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ. બગલો કહે, ‘વરુભાઈ, મને મારું ઈનામ આપી દો.’ વરુ ઘૂરક્યો, ‘અલ્યા બગલા! તું ઈનામથી વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું? તારી ડોક મારા મોમાં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ. તું બચી ગયો છે, આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું, બોલ?’ બગલો શું બોલે? મોં વકાસીને બેસી રહ્યો. લુચ્ચું વરુ ત્યાંથી હસતું હસતું જતું રહ્યું. |
લાલચુ કૂતરો
લાલચુ કૂતરો એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. તે ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો હતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી. વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે. બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે ‘લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું. પણ જેવું તેણે મોં ખોલ્યું કે તરત તેના મોંમાં જે રોટલો હતો તે નદીના ઊંડા પાણીમાં પડી ગયો. કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.’ સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે. |
કરતા હોય સો કીજિયે
કરતા હોય સો કીજિયે કલવો કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે, ઠીક લાગે તે ઘરમાં ઘૂસે અને લાગ જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય પછી નદીને કિનારે જઈ ઝાડ પર બેસી નિરાંતે ખાય. તે દરરોજ બગલાને માછલાં પકડતાં જુએ. ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો. થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઊડે. પાણીમાં જુએ. માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને તાકાત ઘણી એટલે સહેલાઈથી તે આ કામ કરે. બગલા તરફથી મળતાં માછલાંનો સ્વાદ કાગડાને દાઢે વળગ્યો. એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો કે ‘હું પણ બગલાની જેમ માછલાં પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે.’ એવું વિચારી કાગડો આકાશમાં ઊડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલાં દેખાયા એટલે ઊંચા પગ કરી, હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો. છીછરા પાણીમાં પડતાં વેંત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયાં. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો. કલવો કાગડો શરમાઈ ગયો. બગલો જતાં જતાં એને કહેતો ગયો કે, કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ કરવું એટલેે મોટી આફતને સામેથી બોલાવવી. |
કાચબો અને સસલો
કાચબો અને સસલો એક દિવસ એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાને મશ્કરી કરવાનું મન થયું. એણે પાછા વળીને કાચબાને કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ધીમે, ધીમે, ઠચૂક, ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’ કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં ઉતાવળિયા અને બેધ્યાન હોય છે અને કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી પણ હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક ઠચૂક હોય પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેટલો સમર્થ છું સમજ્યા કે!’ આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’ સસલાને પણ ચટાકો ચડી ગયો. તેણે કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ કે દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’ કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ ભલે થાય ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!’ બીજાં બધાં સસલાંઓ આ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ, આ સામે દેખાતા ખડક પાસે જે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.’ કાચબાએ કહ્યું, ‘તમારી એ વાત બરાબર છે, મને કબૂલ છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા. શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.' સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ. જ્યારે સસલો ઊંઘમાંથી જાગ્યો અને જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો રહી ગયો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી. કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!' શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.’ |
કાગડો અને શિયાળ
કાગડો અને શિયાળ એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથુ છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંકયો. કાગડાએ રાજી થતા તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો. એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યું, ‘કાગડાભાઈ જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે ખાવાની નહિ. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે!’ કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફુલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફુલાવતાં કહ્યું, ‘આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને ખૂબ મન થયું છે. મારી આ ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે!’ કાગડાભાઈ તો પોતાનાં વખાણ સાંભળી વધુ ફુલાયા. ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો. શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાંની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ચાવતાં ચાવતાં ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહિ. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું છેક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શો અર્થ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો! |
Subscribe to:
Posts (Atom)