Thursday, February 11, 2016

દયાળુ સિદ્ધાર્થ



દયાળુ સિદ્ધાર્થ

એક કપિલવસ્તુ નામની નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ માયાદેવી હતું.

આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણમાં ઘણા દયાળુ સ્વભાવનો હતો. એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો.

થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, હંસ મારો છે. તે મને આપી દે. સિદ્ધાર્થે કહ્યું, હંસ તને નહીં આપું. બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે. સિદ્ધાર્થે જવાબ આપ્યો, દેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો?

રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યું, સિદ્ધાર્થ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશા ચડિયાતો લેખાય. આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને ભગવાન બુદ્ધ બન્યા.

No comments:

Post a Comment