Thursday, February 11, 2016

નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે




નકલ કામ બગાડે, અક્કલ કામ સુધારે

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો ‘રંગબેરંગી ટોપી લઈ લો - લઈ લો.’ એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતા હતા

એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.

એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.

થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.

થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી પોતાના માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.

બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.

નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ!

No comments:

Post a Comment