લે રે હૈયાભફ! એક હતો કણબી ને એક હતી કણબણ. બેય હતા એક એકનું માથુ ભાંગે એવાં; એક એકને પહોંચી વળે એવાં. સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે? મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે. કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ? આપણે કાંઈ પરભુ છીએ તે મે' આણીએ? હોય, દુકાળેય પડે ! કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે! કે' છે, હોય, દુકાળેય પડે! ખબર પડે દુકાળ વેઠ્યો હોય તો! જુઓ, હું કહું છું કે આજ ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો. વળી તો આપણે તો આ ભગરી ભેંશ દૂઝે છે, માટે આ ટીલડી ગાય પણ લેતા જજો. સમજ્યા? કણબી તો વિચારમાં પડી ગયો ને માથું ખંજવાળવા મંડ્યો. ત્યાં તો માથામાંથી એક વાત જડી, ને સડપ કરતો તે ઊભો થયો ને રાંધણિયામાં ગયો. રસોડામાં જઈને કહે - એમાં શું? તું ભાતું કર. કાલ મળસ્કે જઈશ. સાથે આપણો ગગો પણ આવશે. પાસે ગગો ઊભો હતો. એ તો રાજીના રેડ થઈ ગયો. એ તો કૂદવા માંડ્યો ને દોડી દોડીને બોલવા માંડ્યો - હેઈ, કાલે આપાને ઘેર જવાનું! કણબીએ ભળકડે ગાડું જોડ્યું. કણબણે ઊઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યા, મહીં પચાસ રૂપિયાની કોથળી પણ સંતાડી. એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચશે. ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી. ગાયને ગળે સારું મજાનું એક ફૂમકું બાંધ્યુ ને ગાડાને અને કણબી ને રવાના કર્યાં. ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે મારગ ફંટાયા. એક મારગ હતો કણબીના સસરાના ગામનો ને બીજો એની બહેનના ગામનો. કણબીએ હળવેક દઈ રાશ ખેંચીને ગાડું બહેનના ગામને મારગે વાળ્યું. ગાડામાંથી ગગો બોલ્યો - આતા! આ મારગ તો ફુઈના ગામનો. ઓલ્યો મામાના ગામનો મારગ. કણબી કહે - બેસ, હવે ડાયો થા મા, ડાયો! તને મારગની બહુ ખબર પડે તે! કાલ સવારનું છોકરું! ગગો મૂંગો થઈ બેસી રહ્યો ને ગાડું ચાલવા માડ્યું. સાંજ પડી. ગાડું બહેનને ગામ આવ્યું. ત્યાંયે દુકાળ પડેલો. નદી સુકાઈ ગયેલી. મોલ બળી ગયેલા. અન્નપાણીના સાંસા. બહેન તો ભાઈ ને જોઇને રાજીના રેડ થઈ ગઈ. એક તો ઘરે ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો. ઉપરિયાણમાં એક દૂઝણી ગાય પણ લાવ્યો! બહેને ઝટપટ લાપશી કરી ને મગ કર્યાં. ભાઈ ભત્રીજાને ખૂબ ખૂબ હાથ ઠારીને જમાડ્યા ને કેટલીયે પરોણાચાકરી કરી. બાપદીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા ને પછી ગાડું જોડી ઘેર પાછા આવ્યા. કણબી ઘેર આવ્યો એટલે કણબણ કહે - કાં ઘઉં આપી આવ્યા? કાં ગાય મારાં માબાપને કેવીક ગમી? કાં, બધાં સાજાંતાજાં છે ને? કણબી કહે – મારે તો ખેતર જવું છે. આ ગગલાને પૂછ. કણબણ કહે - હેં ગગા! મામા તો સારા છે ને? ગગો કહે - બા, ત્યાં કોઈ મામા નો'તા. કણબણ કહે - મામા કદાચ ગામ ગયા હશે. મામી તો સારી હતી ને? ગગો કહે - પણ બા! ત્યાં મામીબામી કોઈ નો'તું. ત્યાં તો ફુઈ હતાં, ભાણિયા હતા, ફુવા હતા ને ઈ બધાં હતાં. કણબણ વાત પામી ગઈ. મનમાં કહે......હં.....આ તો બહેનને ત્યાં બધું નાખી આવ્યા લાગે છે! કણબણે વિચાર કર્યો કે હવે કણબીની પૂરી ફજેતી કરવી. પછી કણબણ તો માથે ઓઢીને કૂટવા માંડ્યું. કણબણ રોતી જાય અને કૂટતી જાય......
ગોરી ગાયને ગળે ફૂમકું;
માણસો બધા ભેગા મળ્યા. બધા પૂછવા માંડ્યા –પટલાણી શું છે તે રુઓ છો? કણબણ કહે - ઈ તો ઘેરથી એની બહેનને ત્યાં ગોરી ગાય ને ગાડું ઘઉં દેવા ગયેલા, પણ દુકાળમાં બહેન ને ભાણેજાં મરી ખૂટેલાં તે પાછા આવ્યા. એટલે આજે એની કાણ માંડી છે.ગાડું ઘઉં ને મહી બૂમકું; લે રે હૈયાભફ; લે રે હૈયાભફ! કણબીનું ઘર સારું એટલે ગામ આખું કૂટવા ને રોવા ભેગું થયું. કણબીને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે એટલે એ પણ હાંફળો હાફળો ઘેર આવ્યો. ત્યાં તો સૌ કૂટતા હતાં..........
ગોરી ગાયને ગળે ફૂમકું;
કણબીની પાસે સૌ એની બહેન-ભાણેજનો ખરખરો કરવા લાગ્યા. કણબી વાત સમજી ગયો કે આ તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં! પછી બીજે દિવસ કણબી ગાડું ભરીને ઘઉં અને બીજી ગાય લઈ સાસરે જઈને આપી આવ્યો.ગાડું ઘઉં ને મહી બૂમકું; લે રે હૈયાભફ; લે રે હૈયાભફ! |
Jariwalanj Goup
Thursday, February 11, 2016
લે રે હૈયાભફ!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment