Thursday, February 11, 2016

ઉંદર અને સિંહ




ઉંદર અને સિંહ

એક જંગલમાં સિંહ રહેતો હતો.

ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.

ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી!' કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો - સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ!

સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો - ઉંદરડા! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો?

ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી - સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.

થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.

નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.

ઉંદર બોલ્યો - સિંહદાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ … કટ…જોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.

જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો - મિત્ર, તારો ખૂબ આભાર. મેં મારી ખોટી મોટાઈમાં ફુલાઈને તને નાનો માની તારી પરવા કરી ન હતી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.

સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.

No comments:

Post a Comment