Thursday, February 11, 2016

લાલચુ કૂતરો




લાલચુ કૂતરો

એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. તે ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો હતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી.

વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે.

બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે ‘લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું. પણ જેવું તેણે મોં ખોલ્યું કે તરત તેના મોંમાં જે રોટલો હતો તે નદીના ઊંડા પાણીમાં પડી ગયો.

કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.’

સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.

No comments:

Post a Comment