Thursday, February 11, 2016

લાવરીની શિખામણ


લાવરીની શિખામણ

એક લાવરી હતી.

તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ.

સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને કહ્યું, મા, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ તો?

લાવરી કહે, તમે ચિંતા છોડો. એ પાડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પાડોશીઓ મદદે આવ્યા ન હતા તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહિ, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી.

લાવરીએ કહ્યું, ચિંતા છોડો. ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી હજુ કેટલાંય દિવસ સુધી પાક લણાશે નહિ. આખરે લાવરી સાચી પડી. ખેડૂત કેટલાંય દિવસ રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહિ.

થોડા દહાડા પછી બચ્ચાં કહે, મા, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહે, કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું.

લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતાં રહીએ. આમ કહી લાવરી તેનાં બચ્ચાંને લઈ બીજે રહેવા જતી રહી.

No comments:

Post a Comment