Thursday, February 11, 2016

બે સમજુ બકરી



બે સમજુ બકરી

એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી.

નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી. એ જ વખતે પુલના બીજી તરફના છોડેથી બીજી બકરી આવતી હતી.

બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ!

થોડી વાર પછી આ પુલ પર પુલના બન્ને છેડેથી આવતાં બે કૂતરાં પુલની વચ્ચે ભેગા થઈ ગયા. બન્ને સામ સામેના કિનારે પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો, બંને એક બીજાને બચકાં ભરી મારામારી કરવા લાગ્યા. તેમનું ધ્યાન રહ્યું નહિ ને બન્ને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યાં.

પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા. સારું હતું કે બેઉ કૂતરાને તરતાં સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતે કિનારે આવ્યા પણ બન્ને પોતાના અણસમજુ અને ઝગડાખોર સ્વભાવને કારણે બહુ જ હેરાન પરેશાન થઈ ગયા.

જો આપણે પણ એક બીજા સાથે સંપ-સાથ-સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજુ બકરીની જેમ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી આગળ વધી શકીએ પણ જો એક બીજા સાથે લડવા-ઝગડવામાં રચ્યા-પચ્યા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય.

No comments:

Post a Comment