Friday, February 12, 2016

દુર્જન કાગડો




દુર્જન કાગડો

એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું. પછવાડે પીપળાનું મોટું ઝાડ. એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા. કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે. એને હંસ દીઠે ન ગમે. ઉનાળાના દિવસો હતા. એક થાકેલો-પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો. તેણે પોતાનાં ધનુષબાણ ઝાડના થડના ટેકે મૂક્યાં ને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો. થોડીવારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો. થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો.

ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી. મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાંયો કર્યો. કાગડાએ આ જોયું. કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી. તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો. કાગડો ઊડતો ઊડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો.

કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો. જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો. તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો.

આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો.

No comments:

Post a Comment