વહોરાવાળું નાડું એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે. વહોરાજી ભોળા, દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે. એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. વહોરાજી પણ પોતાના ઘરે પાછા જતા હતા. પટેલ કહે - ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો? ગાડા ઉપર બેસી જાઓ. પણ, રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે, તમે નાડું બરાબર પકડજો, નહિતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો. વહોરાજી કહે - પટેલ, સારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહીં! એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને ગાડામાં બેઠા. ગાડું આગળ ચાલતાં રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યાં. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી - અરે પટેલ! ગાડું ઊભું રાખો. હું પડી ગયો છું. પટેલ જૂએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછયું - કેમ કરતાં પડી ગયા? તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું? વહોરાજી જમીન પર પડ્યાં પડ્યાં સૂંથણાનું નાડું બતાવીને કહે - જુઓ તો ખરા, પડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી.... પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સૂંથણાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા - અરે ચાચા! તમે સૂંથણાનું નાડું પકડી બેઠા છો પછી પડી જ જવાય ને? મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ઈ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને? સૂંથણાનું નાડું તે કાંઈ પકડવાનું હોય? વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતા હસતાં ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા. |
Jariwalanj Goup
Thursday, February 11, 2016
વહોરાવાળું નાડું
Subscribe to:
Posts (Atom)