ભણેલો ભટ્ટ એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા. ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા. ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે. ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટજી કેવુંક જાણે છે? સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક અને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ. ભટ કહે - પૂછો ત્યારે. એક માણસે પૂછ્યું - ભટજી! ‘તુંબહ તુંબા’ એટલે શું ? ભટજી તો ભારે વિચારમાં પડી ગયા. પોથીપાનાં જોઈ વળ્યા પણ ક્યાંય ‘તુંબહ તુંબા’ જડે નહિ. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા. ગામડિયો કહે - ભટજી! ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહિ અપાય. તમારા જેવા તો ઘણાંએ આવી ગયાં, પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો, હવે પુસ્તકપાનાં અને પોથીઓ અમને સોંપી દો. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. પોતાની પોથી મૂકી બિચારા વીલે મોઢે ઘેર પાછા આવ્યા. એને એક ભાઈ હતો. ઝાઝું ભણેલોગણેલો નહિ, પણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે - ભાઈ ! એવા અજડ ગામમાં તમારું કામ નહિ, ત્યાં તો અમારા જેવા જોઈએ; એનું માથું ભાંગે એવા. આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકોમૂંડો કરાવ્યો. મૂંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એક બીજાને કહે - વાહ, આ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા. આવા હોય તો કાંઈક બે અક્ષર શાસ્તરના જાણવા તો મળે! પણ તો ય બધાં કહે - પારખાં તો લેવાં જ જોશે. એમ ને એમ કાંઈ કથા વાંચવા નહિ બેસાડાય. એક જણ કહે - ભટજી! પધારો. એક ભટજી પુસ્તકપાનાં મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીય તે હમણાં ખબર પડશે. ભટજી કહે - એ ભટ નોખા ને આ ભટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ! ગામનો પટેલ કહે - ત્યારે જવાબ આપો જોઈએ. ‘તુંબહ તુંબા’ એટલે શું? આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ કહે - ભાઈ ભૂલ્યા. તમને તો પૂરો સવાલેય ક્યાં પૂછતાં આવડે છે? તો સાંભળો પહેલાં તો હોય
ખેડમ્ ખેડા
બધા કહે - એલા, આ ભટજી સાચા; કેટલું ગનાન છે! જોયું બરાબર કળી ગયા. ઓલ્યા આગળ આવ્યા'તા ઈ ભટને તો બોરના ડીંટિયા જેટલુંય નો આવડે, ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા!પછી વાવમ્ વાવા પછી ઉગે વેલમ્ વેલા પછી આવે ફૂલમ્ ફૂલા ને પછી થાય તુંબહ તુંબા. ભટજીને આખા ગામે વખાણ્યા. બધા કહે - ભટ ભારે, ભટ ભારે, ભટ ભારે! ભટ તો છે કાંઈ જાણકાર! બધી વાતની એને સમજ પડે! ભટને તો ગામ આખાયે જમાડ્યા. પોથી-પુસ્તક પાછાં આપ્યાં ને સારી એવી શીખ આપીને વિદાય કર્યા. |
Jariwalanj Goup
Thursday, February 11, 2016
ભણેલો ભટ્ટ
Subscribe to:
Posts (Atom)